menu Home


પૂ. આ. શ્રી વિજય મુક્તિદર્શનસૂરિ મ. સા. એટલે...


અધ્યાત્મરસ પિપાસુ ભવ્યજીવોને જિનશાસન દ્વારા મળેલું અણમોલ અભૂતપૂર્વ શ્રમણ તીર્થ એટલે પૂ. આ. શ્રી વિજય મુક્તિદર્શનસૂરિ મ. સા.

શ્રમણભગવાન મહાવીરની પરંપરામાં ૭૮ મી પાટે બીરાજેલા પૂર્વધર પરમર્ષિ પ્રતિબિંબ, પ્રશમરસ પયોનિધિ તથા શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિ પટ્ટધર, સુવિશાલ, ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી જયઘોષસૂરીશ્વર મ. સા. ના પટ્ટપ્રભાવક તથા‌ તેમના કૃપાપાત્ર સદાગુરુકુલવાસી એટલે પૂ. આ. શ્રી વિજય મુક્તિદર્શનસૂરિ મ. સા.

નિશ્ચય – વ્યવહારરૂપી બન્નેય કિનારાનો ક્યારે પણ ત્યાગ નહીં કરતી, ઉત્સર્ગ – અપવાદ, જ્ઞાન – ક્રિયા, પ્રવૃત્તિ – નિવૃત્તિ, ગુણ – દોષના સ્યાદ્વાદરૂપી મધુરસનું પાન કરાવતી, શ્રોતાઓની મુઢતારૂપી કાદવ અને કદાગ્રહરૂપી કચરાનું સમ્યગ્ એકાંતવાદરૂપી તીવ્રવેગથી ઉન્મૂલન કરનારી, વર્તમાન કાલીન વિવિધ અધ્યાત્મદૃષ્ટિઓ રૂપી ઝરણાંઓને સુનયરૂપી માર્ગથી સમન્વય કરનારી, મિથ્યાત્વ અને કષાયના તાપને તત્ત્વજ્ઞાન અને સત્કથાની શીતળતાથી હરનારી, સંસ્કૃતિના આદર્શો અને જીવનકળા રૂપી અનેક નૌકા વિહાર દ્વારા આંતર યાત્રાપ્રવાસને સુગમ કરતી, શ્રદ્ધાળુઓના વિકલ્પો અને પરિગ્રહની વાસના રૂપી આંતરમળનુ સ્નાન કરાવતી, પરમતત્ત્વનુ અદમ્ય આકર્ષણ જગાડી ચિત્તવૃત્તિનુ ઉર્ધ્વીકરણ કરીને વિકારોરૂપી વમળોનુ વિસર્જન કરતી, એવી પવિત્ર પ્રવચનગંગાના ઉદ્દગાતા અધ્યાત્મદેશનામનીષિ એટલે પૂ. આ. શ્રી વિજય મુક્તિદર્શનસૂરિ મ. સા.

પ્રાચીન જિનબિંબોની પ્રતિકૃતિઓનો વિશાળ સંગ્રહ કરી અવારનવાર ભાવયાત્રા કરનારા, પ્રાચીન સ્તુતિઓના સથવારે ગદ્દગદ કંઠે નિજાત્મનિવેદન, ગુણ પ્રાર્થના ને ભવોભવદાસપણાની યાચના કરનારા, શ્રી દેવચંદ્ર સ્તવનાવલીનું ભીના ભીના ભક્તિરસે ગાન કરનારા, પરમાત્માભક્ત એટલે પૂ. આ. શ્રી વિજય મુક્તિદર્શનસૂરિ મ. સા.

છેદસૂત્રના લેખન અને અધ્યાપનથી, ન્યાય અને કર્મ સાહિત્યના અવગાહનથી, દર્શન અને આગમ શાસ્ત્રોના અવબોધથી, યોગ અને અધ્યાત્મ ગ્રન્થોના તલસ્પર્શી અનુશીલન તથા વિનિયોગથી, જિનમાર્ગજ્ઞાતા એટલે પૂ. આ. શ્રી વિજય મુક્તિદર્શનસૂરિ મ. સા.

મૌન, સ્થિરાસન, જગત્સંપ્રેક્ષણ અને નિજસ્વરૂપ અન્વેષણના બળે, વિશાળ સાધુ સમૂહ વચ્ચે કે નિર્જન સ્થળે અસંગ બની, ગત જન્મની ઘુંટાયેલી ધ્યાનધારામાં એકત્વાનુભુતિ કરનારા યોગમાર્ગના પ્રવાસી એટલે પૂ. આ. શ્રી વિજય મુક્તિદર્શનસૂરિ મ. સા.

ગુણો અને સાધનાના અનુભવની વિશિષ્ટ મુડીથી યોગમાર્ગ ઉપર ચાલનારા જૈન કે અજૈન, સાધુ કે ગૃહસ્થ, નાના કે મોટા હર કોઈ સાધક સાથે વિનય અને બહુમાનપૂર્વક સત્સંગ કરવા ઉત્સાહિત થઈ જનારા, મુમુક્ષોઓમાં મુખ્ય એટલે પૂ. આ. શ્રી વિજય મુક્તિદર્શનસૂરિ મ. સા.

આસ્તિકય – આનંદ, દયા – દાક્ષિણ્ય, નિરપેક્ષતા – નિડરતા, પ્રમોદ – પ્રશમ, સરળતા – લઘુતા, નિસ્પૃહતા – નિરાડંબરતા, ત્યાગ – તિતિક્ષા, અપ્રમાદ – અપ્રતિબધ્ધતા, નિર્વેદ – સંવેગ, સંયમ – સ્વાવલંબીતા, ઉદારતા – ઉદાસીનતા, કરૂણા – કર્તવ્યપ્રેમ વિગેરે ગુણોના દ્વંદમાં (જોડકામાં) રમવા છતાં નિર્ગુણ અને નિર્દ્વંદ બ્રહ્મના ઉપાસક એટલે પૂ. આ. શ્રી વિજય મુક્તિદર્શનસૂરિ મ. સા. [ નિર્ગુણ = સત્વ + રજો + તમો ગુણ રહિત; નિર્દ્વંદ = એક ].

શિષ્યોના યોગ-ક્ષેમ ખાતર સ્વકાર્યોને ગૌણ કરી દેનારા, જિજ્ઞાસુ શ્રોતાઓ ઉપર ઉપકાર કરવા પ્રતિકુળતાઓને નહિ ગણકારનારા, પ્રાયશ્ચિત પ્રદાન સચોટ વ્યવહારૂ અંગત માર્ગદર્શન અને ભાવધર્મ વાહક પ્રવૃત્તિઓની પ્રેરણા દ્વારા શ્રાવકો અને ભક્તવર્ગ પ્રત્યે વાત્સલ્ય ધરાવનારા, છતાં તે સર્વથી હંમેશા નિરપેક્ષ અને નિર્લેપ રહેનારા, મોક્ષમાર્ગના સાર્થવાહ એટલે પૂ. આ.શ્રી વિજય મુક્તિદર્શનસૂરિ મ. સા.

પશુરક્ષાની માંગ માટે ન્યાયાલયની લડતમાં ઝઝૂમનારી સંસ્થાના યુવાનોનો ઉત્સાહ વૃધ્ધિ તથા આર્થિક સહાય માટે કતલખાનાઓમાં કાયદેસર કે ગેરકાયદેસર કપાતા દેશના પશુધન પ્રત્યેની અનહદ વેદનાથી દર ચોમાસામાં વિશાળ શ્રોતાગણ ઉપર કરૂણાનો મેઘ બનીને વરસનારા અબોલ જીવોના બેલી એટલે પૂ. આ. શ્રી વિજય મુક્તિદર્શનસૂરિ મ. સા.

મનુષ્યજન્મના મુખ્યકર્તવ્યરૂપ તથા સકળ શ્રુતજ્ઞાનનાં સારરૂપ આત્મજ્ઞાનનાં એકમાત્ર લક્ષ્યથી જીવનની પ્રત્યેક પળે આગેકૂચ કરી સિધ્ધિને પ્રાપ્ત કરનારા સત્પુરુષ એટલે પૂ. આ. શ્રી વિજય મુક્તિદર્શનસૂરિ મ. સા.



પ્રવચનની અનુક્રમણિકા

વિનંતી સહ જણાવવાનું કે હોમપેજ પર આપેલ પ્રવચન અનુક્રમણિકા ને સૌ પ્રથમ જોઈ લેવી. પ્રવચનોને તેમની ઊંડાણ અને કક્ષા પ્રમાણે ચાર ભિન્ન રંગો આપવામાં આવ્યા છે. તો આપની રુચિ અને કક્ષા અનુસાર પ્રવચનોની શૃંખલા સાંભળશો.

You are requested to first refer Index of Pravachans given on the Homepage. Pravachans have been categorised into four Colours based on the depth and level of each series. Please listen to the series of Pravachans based on your interest and level of depth.


VIEW PDF


play_arrow skip_previous skip_next volume_down
playlist_play