menu Home

Testimonials


સિધ્ધાંત દિવાકર ગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. વિજય જયઘોષસૂરીશ્વર મ. સા.

અધ્યાત્મ વિષયમાં તેમની બરોબરી કરી શકે તેવું પ્રાયઃ કોઈ નથી. યોગના વિષયનો તેમનો ખુબ અભ્યાસ હતો. ખુબ શ્રીમંત પરિવારમાં જન્મ લઈને ગ્રેજ્યુએટ થયા પછી દીક્ષા લીધી હતી. તેમના પુસ્તકો પણ ખુબ આવકાર પામ્યા છે... જૈનધર્મને ના પુરાય તેવી ખોટ પડી.

પ. પૂ. આચાર્ય ભગવંત વિજય હેમચંદદ્રસૂરિ મ. સા.

૪૨ વર્ષ જેવો નિર્મળ પર્યાય, સરળ નિખાલસ સ્વભાવ, સહજ આધ્યાત્મ રુચિ, બાહ્ય ભાવો પ્રત્યે પરાઙમુખતા, આત્મસ્વભાવમાં સદા દીનતા...ઠોસ તત્વ ભરેલા પ્રવચનો, આધ્યાત્મ રસિક ભક્તવગૅ, સહજ વૈરાગ્ય અને નિસ્પૃહતા જેવા અનેક ગુણોના આસામી હતા. અજાતશત્રુ જેવું વ્યક્તિત્વ હતું. તેઓના અકાળે કાળધર્મથી તમને, સમુદાયને, શાસનને ઘણી મોટી ખોટ પડી છે. તેઓ માત્ર આધ્યાત્મિક પ્રવચનકાર ન હતા, અઘ્યાત્મપુરુષ હતા. જીવન - શૈલી - ચર્યા - ભાષા બધું અધ્યાત્મથી છલકતું હતું.

પ. પૂ. આ. ભ. વિજય જગચ્ચંદ્રસૂરિ મ. સા.

તમારા ગુરુજી સારા તત્વચિંતક હતા. એટલું જ નહિં પણ પોતે કરેલા જ્ઞાનાવગાહન તથા ચિંતનને અસરકારક, હદયવેધક, અંતસ્પર્શી શબ્દોમાં ખુબ સુંદર રીતે રજુઆત કરવામાં એમની ખુબ અદ્ભૂત હથોટી હતી. પોતે આધ્યાત્મિક તત્વના ચાહક હતા, વાહક હતા, તો લોકોમાં આ શુષ્ક લાગતા વિષયને રોચક પ્રસ્તુતિ દ્વારા અધ્યાત્મના અનુપમ પ્રભાવક પણ બન્યા હતા. એમને સાંભળનારા શ્રોતાઓની સંખ્યા ચિત્તને આલ્હાદ પમાડે તેવી હતી.

ઘણાના જીવનમાં એમને સન્માર્ગના બીજ વાવ્યા, સન્માર્ગનો પરિચય આપી લોકોને એ સન્માર્ગના વ્યાસી બનાવ્યા. અનેકોને સન્માર્ગનું દાન કરીને એક અદ્વિતીય ભવ્ય કાર્ય કર્યું છે.

ભક્તિયોગાચાર્ય પ. પૂ. આચાર્ય ભગવંત યશોવિજયસૂરિ મ. સા.

તમારા ગુરુદેવને બહુ જ નીકટથી માણ્યા છે. એક આત્મનિષ્ઠ સંત, એક નખશિખ સંતત્વથી ઊભરાતું વ્યક્તિત્વ આપણને છોડીને અનંતની યાત્રાએ ચાલ્યું ગયું. એમની સાધનાનો દોર તો ત્યાં વણથંભી ચાલુ જ છે. એમના ઉપનિષદનો અભાવ આપણા માટે અસહ્ય છે.

પ. પૂ. આ. ભ. વિજય જયસુંદરસૂરિ મ. સા.

યાદ કરીએ એટલે સામે સૌમ્ય - શાન્ત - પ્રશાંત ચહેરો યાદ આવી જાય. સત્ય અને અધ્યાત્મના ગાઢ પ્રેમી. તેથીજ જરૂર લાગતા સમુદાય બદલવાનું સાહસ કરી શક્યા. છેવટ સુધી પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીને વફાદાર રહ્યા. આડંબરીઓથી જરાય અંજાયા નહીં, ખેંચાયા નહીં, ડામાડોળ થયા નહીં.

ધ્યાન સાધનાનો અપૂર્વ રસ. મોટા સમુદાયમાં ગમે ત્યાં હોલમાં આસન હોય, અવાજ ઘણો થતો હોય, તેમ છતાં પોતે ઊંડા ઉતરી જતા હતા ધ્યાનમાં.

પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રી જ્યારે જ્યાં જે કાંઈ પણ કહે... તહત્તિ કરતા હતા, ઝળહળતું ઉદાહરણ આચાર્ય પદવી અવસરે મિચ્છામી દુક્કડમનું.

જીવદયાના કાર્યને તેઓશ્રીએ ઘણું પ્રોત્સાહન આપ્યું તે નોંધપાત્ર બની રહ્યું. ધન્ય છે એવા અધ્યાત્મોપાસકોને.

શ્રમણી ગણનાયક પ. પૂ. આ. ભ. વિજય અભયશેખરસૂરિ મ. સા.

એમની પોતાની વ્યક્તિગત આરાધના માટે તો આંખે ઊડીને વળગે એવી વાત એ હતી કે જેવો અવકાશ મળે કે પદ્માસન લગાવીને ધ્યાનમાં બેસી જવું. મૌનપણે અંદર ઉતરવાનો પુરૂષાર્થ આદરવાનો ... ને તેમનો ચહેરો પણ જણાવતો કે તેઓ અંદર ઉતરી રહ્યા છે.

તેમના આધ્યાત્મિક પ્રવચનોનો જાદુ તો વિશ્ર્વપ્રસિદ્ધ છે. તેમના પ્રવચનોનો ચાહકવર્ગ ખૂબ જ વિશાળ હતો ... દૂર દૂરથી વ્યાખ્યાન સાંભળવા નિયમિત દોડી આવતો વર્ગ પણ સારો‌ એવો‌ હતો CoinJoin. બધાને કેમ પ્રતિબોધ થાય એની કરુણા અપાર હતી ... ને છતાં પ્રવચનખંડ ભરાય જાય તેનાથી નિર્લેપતા હતી ... ખરેખર! સમુદાયનું અને સંઘનું તેઓ એક સાધક રત્ન હતા ... ને તેથી જ તેઓની અણધારી વિદાયથી એક ન પૂરાય એવી ખોટ સમુદાયને અને શાસનને પડી છે.

પ. પૂ. આ. ભ. વિજય મુક્તિવલ્લભસૂરિ મ. સા.

સમુદાય, સંઘ અને શાસનનું એક ઝળહળતું રત્ન! જીવનભર પોતે અધ્યાત્મના અમૃતનું પાન કર્યું અને કરાવ્યું. તેઓશ્રીના આધ્યાત્મિક પ્રવચનોએ શ્રી સંઘમાં એક અનેરૂં આકર્ષણ ઊભું કર્યું હતું. બહુ મોટો પ્રબુધ્ધ વર્ગ તેઓશ્રીના પ્રવચનનો રસીયો બન્યો હતો. વ્યવહાર - નિશ્ચયનું સારૂં સંતુલન જાળવી સહુને ધર્મસન્મુખ બનાવતા હતા. તેઓશ્રીના યોગદ્રષ્ટિના અજવાળા અને આનંદઘનજીના સ્તવનો - પદો પરના પુસ્તકો અધ્યાત્મપ્રેમી વર્ગ માટે તો અમૃતની ઉજાણી જેવા પુરવાર થયા છે.

જીવરક્ષા અને સંસ્કૃતિરક્ષા તેઓશ્રીને ખુબ પ્રિય હતા. રોમે રોમે રાગ અને દાઝ હતા. શાસનના કોઈ પણ અંગની હીલના જોઈને તેઓશ્રી ખુબ વ્યથિત બની જતા. તેઓશ્રીના ઉત્તમ ચારિત્ર જીવનની ભીની ભીની અનુમોદના.

પ. પૂ. આ. ભ. વિજય ઉદયવલ્લભસૂરિ મ.સા.

જીવનની અનિશ્ર્ચિતતાને મગજમાં ઠસાવી ગયા તમારા ગુરુજી! વ્યાખ્યાન દરમ્યાન તેમના અવાજમાં જે appeal, જે દર્દ સ્પર્શ, શ્રોતા તરફની કરુણાનો છલકાવ હતો તે અવાજ તેમનો જ! આ મારા મનમાં તેમની એક આગવી ઓળખ રહી છે. બોલતા હોય ત્યારે મુખ પર અન્યની હિતચિંતા વર્તાય. ન ભૂલી શકાય તેવું વ્યક્તિત્વ. ન ભૂલી શકાય તેવી ખોટ. તેમના અધ્યાત્મયોગને જીવનમાં યથાશક્તિ ઉતારીએ એ જ એમને શ્રધ્ધાંજલી છે.

પ. પૂ. આ. ભ. વિજયમુનીશરત્નસૂરિ મ. સા.

અધ્યાત્મના શિખરો સર કરનારા આધ્યાત્મિક દેશનાદક્ષ - સેંકડો મહાનુભાવોને પારમાર્થિક વૈરાગ્ય - અધ્યાત્મસભર સન્માર્ગની સાચી સમજણ આપનારા સદગુરુ... શાસનનું અણમોલ રત્ન, આપણા સમુદાયનું ગૌરવ અને સાચા પથદર્શક આ સદગુરુની વર્તમાન કાળમાં અતિઆવશ્યક છત્રછાયા આ જીનશાસને ગુમાવી છે.

છેલ્લા પાંચ વર્ષોમાં ઘણીવાર સાથે રોકાવાનું થયું, ઘણીવાર સાહેબની અધ્યાત્મ - વૈરાગ્ય નિતરતી દેશના સાંભળવાનું પરમ સદભાગ્ય મળ્યું છ. સાહેબના હદયમાં, જીવનમાં, વ્યવહારમાં અત્યંત નિખાલસતા, નિર્લેપતા, નિરભિમાનીતા, નિડરતા, નિષ્ઠા, નિર્મળતા, વગેરે અનેક ગુણનિધિના અમે દર્શન કર્યા છે.



play_arrow skip_previous skip_next volume_down
playlist_play